કોરોના વાયરસ ના વધતા કેસ ને જોતા આ ચાર શહેરો માં લોકડાઉન રહેશે વધુ કડક


અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વઘારે છે અને હોટસ્પોટ વિસ્તાર આ શહેરોમાં વધુ આવેલા છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, આ ચાર શહેરોમાં લોકડાઉન વધુ કડક બનાવવામાં આવશે. દુકાનદાર અને ગ્રાહકોએ માસ્ક પહેરવુ જરૂરી છે અને દુકાનદારોએ ભીડ ન થાય તેની તકેદારી રાખવાની છે. તેવામાં જ્યાં ભીડ થતી દેખાશે અને સાવચેતી નહીં રખાય તેવા વિસ્તારમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. તબલીઘ જમાતના વધુ બે લોકો સામે ગુના નોંધવામાં આવ્યા છે. બોરવેલ કે પાણી અને સિંચાઈ માટે વપરતા સાધનો લઇને જતા વાહનો અને રિપેરિંગ કાર્ય કરતા લોકોને અટકાવાતા હોવાનું ધ્યાને આવ્યું છે. આ વાહનોને અટકાવવા નહીં અને છૂટ આપવાની પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્યમા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3551 પર પહોંચી

ગાંધીનગર જિલ્લામાં ત્રણ નવા કેસ સાથે કુલ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ 33 થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના કુલ દર્દીઓની સંખ્યા 3,559 થઇ છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

ખેતરમાં બોરવેલ માટે સરકારની મંજૂરી

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી રહે એ માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જે નિર્ણય અનુસાર ખેડૂતને ખેતરમાં બોરવેલની મંજૂરી આપવામાં આવી છે. સાથે જ બોરવેલ માટેના વાહનને આ માટે પાસની પણ જરૂર નહીં રહે. 35 લાખ પરિવારને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 50 લાખ કરતા વધુ પરિવારના એકાઉન્ટમાં 1 હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ અને રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના
ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો

આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો દર્દીઓના મૃત્યુનો દર બીજા રાજ્યો કરતાં વધુ છે. મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં કોમોર્બિડિટીનું પ્રમાણ વધુ હોવાને કારણે તથા વાઇરસના સ્ટ્રેઇનમાં અન્ય રાજ્યો કરતાં ફરક હોવાને કારણે આમ બને છે. આ અંગે ગુજરાતના તજજ્ઞો સંશોધન કરી રહ્યાં છે અને તેને આધારે તેમાં કેવી રીતે વર્તવું તેનો ખ્યાલ આવશે.

કોરોના સંબંધિત માહિતી આપવાના સમયમાં ફેરફાર

મીડિયાકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવતા 28 એપ્રિલથી કોરોના, લોકડાઉન અને સરકારના મહત્વના નિર્ણયો અંગેની બ્રિફિંગના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બપોરે 2 કલાકે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમાર રાજ્ય સરકારના મહત્વના નિર્ણયો અને જીવન જરૂરી ચીજવસ્તુઓના પૂરવઠાની સ્થિતિ અંગે બ્રિફિંગ કરશે. ત્યારબાદ બપોરે 4 કલાકે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા રાજ્યની કાયદો – વ્યવસ્થાની સ્થિતિના સંદર્ભમાં બ્રિફિંગ કરશે અને ત્યારબાદ સાંજે 7.30 કલાકે કોરોનાની અપડેટ વિગતો અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ માહિતી આપશે.

આખાં ભારતના કુલ મૃતાંકના 18% ગુજરાતમાં, સાજા થયેલાંનો દર 6%

સોમવારે ગુજરાતમાં 11 લોકોના મોત સાથે રાજ્યમાં કુલ મૃતકાંક 162 પર પહોંચ્યો છે. આ આંકડો આખાં ભારતમાં કોરોનાને કારણે થયેલાં મોતનો આંકડો 886ના 18 ટકા થવા જાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 81 લોકો સાજાં થઇને ઘરે ગયાં છે અને તેની સાથે કુલ 394 લોકો કોરોનાને લડત આપી સ્વસ્થ થયાં છે. જો કે સમગ્ર ભારતમાં આ આંકડો 6,361 અને તે જોતાં તેમાં ગુજરાતની ટકાવારી માત્ર 6.20 ટકા જ છે. હાલ 2,992 દર્દીઓ હજુ હોસ્પિટલોમાં કોરોના સામે લડત આપી રહ્યા છે. તે પૈકી 2,961 સ્ટેબલ છે, જ્યારે 31 વેન્ટિલેટર પર છે.

Post a comment

0 Comments