આ છે આપણું ભારત, ગુજરાતમાં રોકાયેલા અમેરિકને કહ્યું, અમેરિકા કરતા ભારતમાં કોરોનાથી વધારે સુરક્ષિત


સમગ્ર રાજ્યમાં લોકડાઉનને કારણે ફસાયેલા બ્રિટિશ અને અમેરિકન નાગરિકોને વતન મોકલવા માટે એક વિશેષ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે અમદાવાદ અને મુંબઈથી એક ખાસ વિમાનને મંજૂરી આપવામાં આવી હતી. લોકડાઉન બાદ વિશેષ સેવાના ભાગરૂપે શરૂ કરવામાં આવેલી બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં કુલ 265 પ્રવાસીઓ લંડન પહોંચ્યા હતા. જ્યારે 166 અમેરિકી નાગરિકને એર ઈન્ડિયાની બે ફ્લાઈટમાં મુંબઈ અને ત્યાંથી ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટમાં અમેરિકા મોકલવા આયોજન કરાયું છે. પણ કેટલાક અમેરિકને ઘરે જવાનું ટાળ્યું છે. તેઓ કહે છે કે, ભારતમાં કોરોનાથી વધારે સુરક્ષિત છીએ.


ગત બુધવારે એરઈન્ડિયાની બે ફ્લાઈટમાં અમેરિકી નાગરિકોને મુંબઈ માટે રવાના કરવામાં આવ્યા હતા. પ્રથમ ફ્લાઈટ 4.30 વાગ્યે રવાના થઈ જેમાં 73 પ્રવાસીઓ હતા. જ્યારે બીજી ફ્લાઈટ 4.45 વાગ્યે રવાના થઈ જેમાં 93 પ્રવાસીઓ હતા. જોકે, ઘણા અમેરિકને પરત જવાનું ટાળ્યું હતું. કારણ કે, અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેથી કેટલાક અમેરિકી પ્રવાસીઓએ મુંબઈ તથા અમદાવાદમાં રોકાવવું સુરક્ષિત માન્યું છે. મુંબઈ બાદ દિલ્હીથી પણ અમેરિકા માટે એક ખાસ ફ્લાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત તા. 7 એપ્રિલે 96 અમેરિકી નાગરિક દિલ્હી રવાના થયા હતા. ત્યાંથી અમેરિકા માટે ફ્લાઈટમાં બેઠા હતા.

એરપોર્ટ તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. તમામ પ્રક્રિયા કર્યા બાદ પ્રવાસીઓને રવાના કરવામાં આવ્યા હતા. ખાનગી એરલાઈન્સ કંપની ગો એરે તા.1 મેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરવા માટે એલાન કર્યું છે. પણ સરકાર સ્થિતિ અને સુરક્ષાને ધ્યાને લઈને ફ્લાઈટ ઑપરેશન માટેની મંજૂરી આપી શકે છે. જોકે, ખાનગી એરલાઈન્સ કંપનીઓ સરકારના કોઈ પણ આદેશનું પાલન કરવા માટે બંધાયેલી છે એવી ખાતરી આપી હતી. લોકડાઉનને કારણે એર ઑપરેશન બંધ રહેવાને કારણે એવિએશન સેક્ટરને મોટું આર્થિક નુકસાન થયું છે.


નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપસિંહ પુરીએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, લોકડાઉન પૂર્ણ થયા બાદ ફ્લાઈટ ઑપરેશન સંબંધી નિર્ણય લેવામાં આવશે. તા.2 એપ્રિલના રોજ કરેલી એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, તા.15 એપ્રિલ સુધી ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ રહેશે. આ પીરીયડ બાદ સ્થિતિને જોઈને, સમિક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે.

Post a comment

0 Comments