લોકડાઉનમાં દીકરીના ઘરે ફસાયેલા 80 વર્ષીય વૃદ્ધને દીકરી અને જમાઈએ ઘરમાંથી કાઢી મૂક્યા, પોલીસે આપ્યો સહારો


કોરોના વાયરસના પગલે જ્યાં લોકો એકબીજાને મદદ કરી રહ્યા છે ત્યાં કેટલાક દુ:ખદ કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના રાજસ્થાનના ભરતપુરમાં જોવા મળી કે જ્યાં એક વૃદ્ધ વ્યક્તિને તેમની દીકરી અને જમાઈએ ઘરમાંથી બહાર તગેડી મૂક્યા છે.


વાત જાણે એમ છે કે કોરોના સંકટ દરમિયાન પંજાબથી એક વૃદ્ધ વ્યક્તિ તેમની દીકરી અને જમાઈના ઘરે રાજસ્થાનના ભરતપુર આવ્યા હતા. બાદમાં લોકડાઉન લાગુ પડતા આ વૃદ્ધ પંજાબ જઈ શક્યા નહીં અને રાજસ્થાનમાં જ દીકરીના ઘરે ફસાઈ ગયા. આ કારણે આ વૃદ્ધને તેમની દીકરી અને જમાઈએ હેરાન કરવાનું શરૂ કર્યું.

પ્રાપ્ત જાણકારી મુજબ પંજાબના લુધિયાણાના રહેવાસી એવા 80 વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર શર્મા લૉકડાઉન પહેલા રાજસ્થાનના ભરતપુરમાં તેમના જમાઈ અને દીકરીને મળવા આવ્યા હતા, પણ લૉકડાઉન લાગુ થતા પરત પંજાબ જઈ શક્યા નહીં. ત્યારબાદ આ વૃદ્ધને તેમની દીકરી અને જમાઈ હેરાન કરવા લાગ્યા. પોલીસને આ વાતની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી અને તે વૃદ્ધ વ્યક્તિને રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી આપી.


આ ઘટના બાદ પીડિત વૃદ્ધ વ્યક્તિએ પોલીસ અધિકારીઓ પાસે એવી ઈચ્છા જાહેર કરી કે તેઓ પંજાબ પાછા જવા માગે છે. પોલીસે આ વૃદ્ધ વ્યક્તિના પુત્ર સાથે વાત કરીને ઓનલાઈન પાસ બનાવવામાં મદદ કરી. પણ, તેમ છતાં આ વૃદ્ધ વ્યક્તિનો પુત્ર પોતાના પિતાને લઈ જવા માટે રાજી થયો નહીં અને દીકરી-જમાઈ તો તેઓને ઘરમાં રાખવા માગતા જ નહોતા. એવું જાણવા મળ્યું છે કે આ વૃદ્ધ વ્યક્તિને હેરાન કરનાર જમાઈને પોલીસે ઝડપી લીધા છે અને આ વૃદ્ધ વ્યક્તિની રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

Post a comment

0 Comments