માનવતા : પોલીસ-AMC દ્વારા શ્રમિક ગર્ભવતી માતા પુત્રી ની જિંદગી જોખમ માં આવી શકે એવી સ્થિતિ માં આ રીતે મદદ..


લોકડાઉનમાં બે ટંક તો ઠીક પણ એક ટંકનું જમવાનું શ્રમિકો માટે મુશ્કેલ બન્યું છે ત્યારે કલોલથી પગપાળા બિહાર જતા શ્રમિકોને ઓઢવ ખાતે પોલીસે અટકાવ્યાં હતા. જેમાં એક શ્રમિક મહિલાને નવ માસનો ગર્ભ હોવા છતાં ધમધોખતા તાપમાં ચાલીને બિહાર જવા મજબૂર બની હતી.

આથી પોલીસે શ્રમિકોને ઓઢવના રેનબસેરામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. પરંતુ ત્યાં મહિલાને પેટમાં દુઃખાવો ઊપડતા તેને હોસ્પિટલમાં દાખલ કરતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. હાલમાં બાળક અને માતા બન્ને સ્વસ્થ છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં પરપ્રાંતીય શ્રમિકો ભર ઉનાળે તડકામાં વતનની વાટ પકડી રહ્યાં છે. કલોલના છત્રાલમાં આવેલી એક ફેક્ટરીમાં મજૂરી કામ કરી પેટિયું રળતા બિહારના બે મજૂર પરિવાર અમદાવાદ તરફ નીકળ્યા હતા. તેમની સાથે નવ માસનો ગર્ભ ધરાવતી મહિલા પૂનમબેન રાજાબાબુ ઠાકુર પણ છત્રાલથી પગપાળા આવી કાળઝાળ ગરમીમાં પોતાના વતન બિહાર તરફ જવા નીકળ્યા હતાં.

ઓઢવ રિંગ રોડ પર પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશનના પીઆઇ અને ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. તેમણે પરિવારને અટકાવી પૂછપરછ કરતા વતન જઈ રહ્યાનું જણાવ્યું હતું. તેથી પોલીસે નાસ્તો અને પાણી આપ્યું હતું. આ સમયે પીઆઇને મહિલા ગર્ભવતી હોવાનું ધ્યાને આવ્યું હતું. પીઆઈએ મહિલાને પૂછતા તેણે નવમો મહિનો જઈ રહ્યો હોવાનું કહ્યું હતું.

મહિલા આગળ પગપાળા જશે તો રસ્તામાં જ ડિલિવરી થાય તો માતા-પુત્રની જિંદગી જોખમમાં આવી શકે છે તેવું પામી ગયેલા ઓઢવ પીઆઇએ શ્રમિકોને કોર્પોરેશનના રેનબસેરામાં આશરો અપાવ્યો હતો. એએમસી સ્ટાફ અને પોલીસની મદદથી ગર્ભવતી મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

હાલમાં મહિલા અને બાળક બન્નેને ઓઢવના રેનબસેરામાં જ રાખવામાં આવ્યા છે. માતા અને બાળકનું ખાસ ધ્યાન કોર્પોરેશનના રેનબસેરા દ્વારા રાખવામાં આવી રહ્યું છે.

Post a comment

0 Comments