બિઝનેસ માટે કોઈપણ ગેરંટી વિના મોદી સરકારની આ સ્કીમમાં મેળવો લોન, આ રીતે કરો અરજી


કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે 31 મે સુધી લોકડાઉન વધારી દીધું છે. જોકે, સરકારે કેટલીક શરતો સાથે લોકડાઉનમાં બિઝનેસ શરૂ કરવાની મંજૂરી પણ આપી છે. જો, આ સંકટ સમયમાં તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તેને શરૂ કરવા માટે તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. મોદી સરકારની મુદ્રા લોન તમારી આ મુશ્કેલીને દૂર કરી શકે છે. ત્યારે હાલમાં જ સરકારે શિશુ મુદ્રા લોનના વ્યાજ પર 2 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ વિગતે

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ હેઠળ પીએમ મુદ્રા લોન સ્કીમને લઈને મોટી જાહેરાત કરી છે. નાણાં મંત્રીએ શિશુ મુદ્રા લોન પર બે ટકા વ્યાજની છૂટ આપવાની જાહેરાત કરી છે.  નોંધનીય છે કે શિશુ મુદ્રા લોન અંતર્ગત રૂપિયા 50,000 સુધીની લોન મેળવી શકાય છે. સરકારની આ ઘોષણાથી લોકડાઉનથી વેપારમાં મંદી સહન કરી રહેલાં નાના વેપારીઓ તથા નવો વેપાર શરૂ કરવા માંગતા વેપારીઓને મોટો ફાયદો થઇ શકે છે.

અત્યારે શિશુ મુદ્રા લોન પર 10 થી 11 ટકાનું વ્યાજ વસૂલવામાં આવી રહ્યું છે. જ્યારે ત્યારે હવે સરકાર દ્વારા આ છૂટ 12 મહિના સુધી આપવામાં આવશે. જેમાં 2 ટકા વ્યાજની છૂટ આપી છે. સરકારનું માનવું છે કે આ યોજનાનો લાભ અંદાજે 3 કરોડ વેપારીઓને મળી શકે છે. આ અંદાજને આધારે ગણતરી કરવામાં આવે તો 2 ટકા વ્યાજ છૂટથી લોનધારકોના રૂપિયા 1500 કરોડ બચી જશે.

મળશે 3 પ્રકારની લોન

પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં ત્રણ પ્રકારની લોન ઉપલબ્ધ છે. શિશુ મુદ્રા લોન, કિશોર મુદ્રા લોન અને તરુણ મુદ્રા લોન. શિશુ મુદ્રા લોન નાના વેપારીઓ માટે છે. તેમાં રૂપિયા 50,000 સુધીની લોન મેળવી શકાય છે. જ્યારે કિશોર મુદ્રા લોનમાં રૂપિયા 50 હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. આ ઉપરાંત તરૂણ મુદ્રા લોનમાં પાંચ લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.


આ રીતે કરો અરજી

મુદ્રા લોન યોજના અંતર્ગત લોન લેવા માટે તમારે પોતાના બિઝનેસ પ્રોજેક્ટ રિપોર્ટ અને ડોક્યુમેન્ટ્સ લઇને નજીકની બેંક શાખામાં જવાનું રહેશે, બેંક તમારા બિઝનેસ પ્લાન વિશે માહિતી માંગશે. ત્યારબાદ તમારા બિઝનેસના આધારે તમારી લોન મંજૂર થશે. મહત્વની વાત એ છે કે, આ યોજનામાં કોઈ ગેરન્ટી વગર સરળતાથી લોન મળી જાય છે.

Post a comment

0 Comments