બહુ ખાધી લાલ-લીલી પાવભાજી, ઠંડીમાં માણો બોમ્બે સ્પેશિયલ ગરમાગરમ કાળી પાવભાજીની મજા


ખાવાના શોખીનોના ઘરે તો અઠવાડિયામાં એકાદવાર તો ચોક્કસથી પાવભાજી બની જ જાય. પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ જરા હટલે વાનગીની રેસિપિ. આ રેસિપિ છે કાળી પાવભાજીની. ગુજરાતમાં તો બહુ ફેમસ નથી, પરંતુ પૂના અને મુંબઈમાં સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ ફેમસ છે. લાલ અને લીલી પાવભાજી તો બહુ ખાધી એટલે હવે લોકોને આ કાળી પાવભાજી બહુ આકર્ષી રહી છે. સ્વાદમાં પણ એકદમ અદભુત છે. તો પછી રાહ કોની જુઓ છો? નોંધી લો રેસિપિ અને તમે પણ ખુશ કરી દો ઘરમાં બધાંને

કાળી પાવભાજી સામગ્રી


 • 100 ગ્રામ ફ્લાવર
 • 2 બટાકાં
 • એક ગાજર
 • પોણો કપ લીલા વટાણા
 • અડધી ચમચી વરિયાળી
 • 50 ગ્રામ સૂકું નારિયેળ
 • 3- 4 લવિંગ
 • 5 થી 6 કાળામરી
 • પા જાવંત્રી
 • 4 પાવ
 • અડધો ઈંચ તજનો ટુકડો
 • 1 ટેબલસ્પૂન બટર
 • 1 ટેબલસ્પૂન તેલ
 • 1 ટેબલ સ્પૂન બટર
 • 1 ચમચી લાલ મરચું
 • 2 ચમચી પાવભાજી મસાલો
 • સ્વાદ અનુસાર મીઠું
 • લીલી કોથમીર
 • 2 લીલાં મરચાં, ઝીણાં સમારેલાં
 • 1 મોટી ડુંગળી, ઝીણી સમારેલી
 • 1 ટેબલસ્પૂન કેપ્સિકમ, ઝીણુ સમારેલું
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • 1 મિડિયમ સાઇઝનું ટામેટું, ઝીણું સમારેલું
 • લસણનો વઘાર
 • 1 ચમચી બટર
 • 4 કળી લસણ, ઝીણું સમારી લેવું


રીત

સૌપ્રથમ બટાકું છોલીને ફ્લાવર, ગાજર અને વટાણા સાથે કૂકરમાં મિડિયમ ફ્લેમ પર ત્રણ સીટી વાગે ત્યાં સુધી બાફી લો. કૂકરમાંથી હવા નીકળે ત્યાં સુધીમાં કાળી પાવભાજીનો સ્પેશિયલ મસાલો બનાવી લો.
એક પેન ગરમ કરી અંદર વરિયાળી, નારિયેળ, કાળામરી, તજ, લવિંગ અને જાવંત્રી લઈ ધીમા તામે શેકી લો.

મસાલા એકદમ બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકવા. પણ હા, મસાલા બળવા ન જોઇએ. ત્યારબાદ સૂકા નારિયેળના એક મોટા ટુકડાને ચિપિયાથી પકડીને પાપડની જેમ સીધુ જ ગેસ પર શેકો. નારિયેળ ઉપરથી એકદમ કાળું થઈ જાય ત્યાં સુધી શેકવું. નારિયેળ અંદરના તેલના કારણે થોડી-થોડી આગ પકડે તો વચ્ચે-વચ્ચે ફૂંક મારી ઓલવતા રહેવું.

ત્યારબાદ શેકેલા મસાલા મિક્સર જારમાં લો. ત્યારબાદ બાળીને કાળા કરેલા નારિયેળને ઉપરથી છોલી લો. અને તેની કાળી છાલ જ માત્ર મિક્સર જારમાં લો, વચ્ચેનું કોકોનટ ન લેવું. ત્યારબાદ તેને વચ્ચે-વચ્ચે અટકી-અટકીને ક્રશ કરો. તૈયાર થઈ જશે ડાર્ક બ્રાઉન મસાલો.

આ દરમિયાન કૂકરની હવા નીકળી ગઈ હશે. પાણી વધારે હોય તો કાઢી લો અને શાકભાજી પાવભાજી મેશરથી મેશ કરી લો.

હવે ગેસ પર એક પેન ગરમ કરો. પેન ગરમ થઈ જાય એટલે અંદર એક ટેબલસ્પૂન તેલ અને એક ટેબલસ્પૂન બટર ગરમ કરો. બટર ઓગળી જાય એટલે અંદર કાપેલું લીલું મરચું નાખો અને 10-15 સેકન્ડ્સ માટે સાંતળી અંદર ડુંગળી નાખો. બરાબર મિક્સ કરી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ અંદર અંદર આદુ-લસણની પેસ્ટ નાખો અને બરાબર મિક્સ કરી લો અને એક મિનિટ માટે થોડું ઢાંકીને ચઢવા દો.

ત્યારબાદ અંદર કેપ્સિકમ નાખો અને મિક્સ કરી બે મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ અંદર ટામેટું નાખો. ત્યારબાદ અંદર પા ચમચી મીઠું નાખો અને મિક્સ કરી થોડીવાર ઢાંકીને ચઢવા દો. ચઢી જાય એટલે અંદર લાલ મરચું નાખો. સાથે જ પાવભાજી મસાલો પણ નાખો અને બરાબર મિક્સ કરી એક મિનિટ ચઢવી દો. ત્યારબાદ અંદર મેશ કરીને રાખેલાં શાક નાખો અને બરાબર મિક્સ કરી લો અને સ્વાદ અનુસર મીઠું નાખો અને ફરી મિક્સ કરી દો.

ત્યારબાદ ઢાંકીને બે મિનિટ માટે લો ફ્લેમ પર ચઢવા દો. ત્યારબાદ અદર તૈયાર કરીને રાખેલો બ્લેક મસાલો નાખો અને બરાબર મિક્સ કરી દો. ત્યારબાદ ઢાંકીને એક મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ ઢાંકણ ખોલીને થોડું નવશેકું પાણી ઉમેરો અને બરાબર મિક્સ કરો અને ઢાંકીને બે મિનિટ ધીમી આંચે ચઢવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી ઉપર લીલી કોથમીર ભભરાવો અને મિક્સ કરી ઢાંકીને બે મિનિટ માટે આમ જ રહેવા દો.

હવે લસણના વઘાર માટે વઘારિયામાં એક ચમચી બટર ગરમ કરો. બટર ઓગળી જાત એટલે અંદર ઝીણું સમારેલું લસણ નાખો. લસણ સંતળાઇ જાય અને બ્રાઉન થઈ જાય એટલે ગેસ બંધ કરી આ વઘાર પાવભાજી પર નાખો અને પાવભાજી ઢાંકીને બે-ત્રણ મિનિટ માટે આમ જ રહેવા દો.

હવે પાવભાજીના પાવ પણ શેકીને ડુંગળી અને લીંબુથી ગાર્નિશ કરો ભાજીને અને ઉપર મૂકો બટરનો એક ટુકડો. તૈયાર છે ગરમાગરમ કાળી ભાવભાજી. લિજ્જત માણો પરિવાર અને મિત્રો સાથે.

Post a comment

0 Comments