રોહિત શર્માએ ધ્વસ્ત કર્યો શાહિદ આફ્રિદીનો આ રેકોર્ડ, આવું કરનાર બન્યા પહેલા ઇન્ડિયન

ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટન રોહિત શર્માએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 36 બોલમાં 55 રનની ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે પાંચ સિક્સર ફટકારી હતી. ચોથી ઓવરના ચોથા બોલ પર એડમ મિલ્નેની બોલિંગ પર પુલ શોટ રમીને રોહિતે મેચનો પહેલો સિક્સર ફટકારતા જ તેણે ખાસ કિસ્સામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 450 સિક્સર ફટકારવામાં રોહિતે આફ્રિદીને પાછળ છોડી દીધો. રોહિતે 404મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે આફ્રિદીએ 487 ઇનિંગ્સમાં આ આંકડો પાર કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 450+ સિક્સર મારનાર રોહિત એકમાત્ર ભારતીય છે.

એકંદરે ક્રિસ ગેલ અને આફ્રિદી તેના કરતા આગળ છે. ગેલના ખાતામાં 553 આંતરરાષ્ટ્રીય છગ્ગા છે જ્યારે આફ્રિદીએ કુલ 476 છગ્ગા ફટકાર્યા છે. રોહિતની વાત કરીએ તો હવે તેના ખાતામાં કુલ 454 આંતરરાષ્ટ્રીય છગ્ગા નોંધાયા છે. રોહિતે 43 ટેસ્ટ મેચમાં 63 સિક્સર, 227 વનડેમાં 244 અને 118 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 147 સિક્સર ફટકારી છે. બીજી T20 ઇન્ટરનેશનલમાં, રોહિતે મિલ્ને પર બે સિક્સર અને મિશેલ સેન્ટનર પર ત્રણ સિક્સર ફટકારી હતી. રોહિત જે રીતે રમી રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે તે આવનારા સમયમાં સૌથી વધુ ઇન્ટરનેશનલ સિક્સર મારવાના મામલે આફ્રિદીને પણ પાછળ છોડી શકે છે.

સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ સિક્સરની વાત કરીએ તો આ મામલે રોહિત બીજા નંબર પર છે. રોહિત કરતાં ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ આગળ છે. ગુપ્ટિલે 111 મેચમાં કુલ 161 સિક્સર ફટકારી છે જ્યારે રોહિતે 118 મેચમાં 147 સિક્સર ફટકારી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારવાના મામલે ગેઈલ ત્રીજા નંબર પર છે, જેણે 124 સિક્સ ફટકારી છે. જો રોહિત આ સિરીઝની છેલ્લી મેચમાં રમે છે અને ત્રણ સિક્સર ફટકારે છે તો તે 150 T20 ઈન્ટરનેશનલ સિક્સર મારનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *